Saturday, 6 June 2015

પેન્શન વિલંબ કેસમાં ગુજરાત સરકાર ૯ ટકા વ્યાજ આપશે .

હાઇકોર્ટમાં લોક અદાલતમાં લેવાયો નિર્ણય
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં રાજય સરકારે એક મહત્વનો નિર્ણય લઇને જે કર્મચારીઓને નિવૃત્તિ કે સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ પેન્શન શરૂ થવામાં છ મહિના કરતા વધુ સમયનો વિલંબ થયો હોય તેમને પેન્શનની રકમના નવ ટકા લેખે વ્યાજ ચુકવાશે. આ અંગે રાજય સરકારે એક પરિપત્ર બહાર પાડીને હાઇકોર્ટ સમક્ષ ચાલી રહેલી લોક અદાલતમાં રજૂ કર્યો હતો. સરકારના આ નિર્ણયથી એક યા બીજા કારણોસર પેન્શન શરૂ ના થયું હોય તેવા હજ્જારો લોકોને ફાયદો થશે.
ગુજરાત હાઇકોર્ટમાં પેન્શનને લગતા ઢગલાબંધ કેસો પડતર છે. જસ્ટિસ એમ. આર. શાહના પ્રયાસો બાદ રાજય સરકારના જુદા-જુદા કર્મચારીઓએ દાખલ કરેલા ૧૨૦૦ કેસોને અલગ તારવાયા હતા. તેમાંથી આ કેસોનો લોક અદાલત યોજીને સરકાર અને અરજદારો વચ્ચે સમાધાનના માધ્યમથી નિકાલ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેથી શુક્રવારે લોક અદાલત યોજાઇ હતી અને તેમાં ૬૧૭ કેસો લિસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે મોટાભાગના કેસોમાં પેન્શનની રકમ નક્કી કરવા ઉપરાંત વિલંબથી ચુકવણું થતું હોવાની ફરિયાદ હતી. આથી રાજય સરકારે પેન્શન ચુકવવામાં છ મહિના કરતા વધુ સમય થયો હોય તે તમામને નવ ટકા વાર્ષિક વ્યાજ ચુકવવાનો નિર્ણય લીધો હતો.
આ અંગે સરકારી વકીલ મનિષા શાહે જણાવ્યું હતું કે, નાણાં વિભાગે મંજૂરી આપી હતી અને ત્યારબાદ સરકાર તરફથી તાત્કાલિક નિર્ણય લીધો હોવાથી હવે હજારો પેન્શનરોને ફાયદો થશે.
શુક્રવારે લોક અદાલતમાં નવ ન્યાયમૂર્તિઓએ સરકાર અને પક્ષકારોને સાંભળ્યા હતા. જેમાંથી ૭૮ કેસોનો નિકાલ કરાયો હતો. જસ્ટિસ સોનિયા ગોકાણીએ સૌથી વધુ ૪૧ કેસોનો સમાધાનથી નિકાલ કરાવ્યો હતો. આવી બીજી લોક અદાલત ટૂંક સમયમાં યોજવામાં આવશે અને લોકોના કેસોનો ઝડપથી નિકાલ કરવાનો પ્રયાસ કરાશે.

No comments:

Post a Comment