Thursday, 28 May 2015

કચ્છ જિલ્લાની પ્રા. શાળાઓના ગુણવત્તા ગ્રેડમાં સુધારો

જિલ્લાની પ્રા. શાળાઓના ગુણવત્તા ગ્રેડમાં સુધારો
ભુજ : જિલ્લામાં જનસામાન્ય પ્રાથમિક શિક્ષણની જવાબદારી સંભાળતી જિલ્લા પંચાયત ગુણવત્તાના ગ્રેડ રાજ્યસ્તરે જાહેર કરાતાં કોષ્ટક અનુસાર ઉજળું ચિત્ર બહાર આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાની ગુણવત્તામાં ચાર ગણો સુધારો નોંધાયો છે. તંત્રે બુધવારે બેઠક યોજી વિગતો જાહેર કરી હતી. સવા બે લાખથી વધુ બાળકો જ્યાં ક, ખ, ગ...ના પાઠ ભણી ભવિષ્ય માંડે છે તે નિશાળો પૈકી ગત વર્ષે એ ગ્રેડમાં 104 શાળાઓ હતી, જે ચાલુ વર્ષે 443 થઇ છે. બી.માં 959 હતી જે 958, ડીમાં 91માંથી 56 અને સીમાં 568માંથી 264 થઇ છે. આમ એથી બીમાં સંખ્યા વધી છે જ્યારે નીચલા ગ્રેડમાં સંખ્યા ઘટતાં ઉજળું ચિત્ર દેખાયું છે. આ ગુણવત્તા ચકાસણી રાજ્ય, જિલ્લા સ્તરના નિયત અધિકારીઓ દ્વારા ગુણોત્સવ અંતર્ગત કરાઇ હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકી અને નાયબ શિક્ષણાધિકારી શ્રી રૂગાણીએ કચ્છમિત્રને જણાવ્યું હતું. નબળી રહેલી ડી-સી ગ્રેડની 320 શાળાઓની ખામીઓ નિવારવા આગામી 11થી 20 જૂન દરમ્યાન યોજાનારા પ્રવેશોત્સવમાં સઘન અભિયાન શરૂ કરાશે, જેમાં વાલીઓ સાથે બેઠક શાળાના શિક્ષકો, આચાર્યને તાકીદ, લખતાં-વાંચતાં ન આવડતું કે ઓછું આવડે તેવા બાળકોને અલગ તારવવા, સ્થગિતતા, અપવ્યય શૂન્ય કરવા સહિતના માપદંડો નક્કી કરાયા છે. એ પ્લસ શાળાઓ પણ 4થી 12 થઇ છે. પ્રવેશોત્સવ દરમ્યાન ધો. 8થી 9 શાળા છોડી જતાં બાળકો 20 ટકાથી વધુ હોય, ધો. 7થી 8માં 5 ટકાથી વધુ હોય કે ગુણોત્સવમાં સી-ડી ગ્રેડ હોય ત્યાં ખાસ ટીમો મોકલાશે. જિલ્લા સ્તરે 90 ટીમો બનાવાઇ રહી છે, તેમાં કુલ 180 અધિકારીઓ સામેલ થશે તેવી માહિતી અપાઇ હતી. તાલુકા દીઠ આંકમાં સૌથી ઓછી ગુણવત્તા એટલે કે સી-ડી ગ્રેડ ધરાવતી 85 શાળાઓ ભુજમાં જ્યારે અંજાર, મુંદરા, અંજાર તાલુકામાં આ સંખ્યા 8, 7, 6 બતાવાઇ છે. ઓછી ગુણવત્તામાં રાપર 38 સાથે દ્વિતીય ક્રમે છે. આમ કુલ 320 શાળાઓની ગુણવત્તા સુધારવા તરફ તંત્રે કમર કસી હોવાનું જણાવાયું હતું.

No comments:

Post a Comment